AnandToday
AnandToday
Thursday, 23 Feb 2023 18:30 pm
AnandToday

AnandToday

સુરતમાં CGBM  ટેકનોલોજીથી બનેલો ૧૨૦ મીટરનો રોડ મજબૂતી અને ગુણવત્તાની પરીક્ષામાં પાસ

અઠવાલાઈન્સમાં સિમેન્ટ ગ્રાઉટેડ બિટ્યુમિનસ મિક્સ (CGBM) ટેક્નોલોજીથી નિર્મિત રોડ છ વર્ષથી અડીખમ: તિરાડો, ખાડા પડ્યા નથી

સુરત શહેરમાં ટ્રાયલ બેઝ પર બનાવેલા બિટ્યુમિનસ કોન્ક્રીટ રોડની ગુણવત્તા જળવાઈ રહી છે

સફળ CGBM  ટેકનોલોજીની મદદથી વાપી અને વડોદરામાં પણ રોડ બની રહ્યા છે -: વરિષ્ઠ વૈજ્ઞાનિક મનોજ શુક્લા

સુરત
સુરત શહેરના અઠવાલાઈન્સ સ્થિત ગોકુલમ ડેરી ખાતે છ વર્ષ પહેલા સિમેન્ટ ગ્રાઉટેડ બિટ્યુમિનસ મિક્સ(CGBM) ટેક્નોલોજીથી ૧૨૦ મીટરનો ટ્રાયલ સેક્શન રોડ બનાવવામાં આવ્યો હતો. આજરોજ વરિષ્ઠ વૈજ્ઞાનિક અને CRRI- સેન્ટ્રલ રોડ રિસર્ચ ઈન્સ્ટીટયુટના પૂર્વ વિભાગીય વડાશ્રી મનોજ શુક્લાએ આ રોડની મુલાકાત લઈ તેની મજબૂતી અને ગુણવત્તા ચકાસવા માટે સ્થળ નિરીક્ષણ કર્યું હતું, જેમાં તેઓએ આ ટેકનોલોજીથી નિર્માણ પામેલ બિટ્યુમિનસ કોન્ક્રીટ રોડ ટકાઉ હોવાથી અન્ય વિસ્તારો, શહેરોમાં પણ તેના નિર્માણનો પ્રયોગ કરી શકાય છે એવો મત વ્યક્ત કર્યો હતો. 
  શ્રી મનોજ શુક્લાએ જણાવ્યું હતું કે, CGBM ટેક્નોલૉજીથી જૂન-૨૦૧૭માં સુરતના અઠવાલાઈન્સ વિસ્તારમાં ટ્રાયલ સેક્શન માટે બનાવવામાં આવેલા રસ્તાની આજ સુધી કોઈ પણ પ્રકારની મરામત કરવાની જરૂર પડી નથી. સામાન્ય રીતે ચોમાસામાં પાણી ભરાવાથી ડામર રોડમાં ખાડા પડે છે, પરંતુ છ વરસાદી સિઝન પસાર થઈ હોવા છતાં અહીં ખાડા, તિરાડો કે ભંગાણ સર્જાયું નથી. દર વર્ષે અમારી સંસ્થા દ્વારા આ રસ્તાનું નિરક્ષણ કરવામાં આવે છે, જેના આધારે હજુ આવનારા ૫ વર્ષ સુધી આ રોડનું મેન્ટેન્સ કરવાની જરૂર પડશે નહિ. કારણ કે રોડ બનાવવામાં મુખ્યત્વે ઓપન ગ્રેડેડ એગ્રીગેટ્સ જેવા મિશ્રણોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે સામાન્ય રીતે સિમેન્ટ, રેતી, ફ્લાય એશ, માઈક્રો સિલિકા, સુપર પ્લાસ્ટિસાઈઝર અને પાણીથી બનેલું હોય છે, જેથી રોડ મજબુત અને ટકાઉ બને છે.
 વધુમાં તેમણે જણાવ્યું કે, સુરત, વાપી અને વડોદરામાં આ પ્રકારના બિટ્યુમિનસ કોન્ક્રીટ રોડ બનાવવાનું કાર્ય પ્રગતિમાં છે. જેમાં CRRI રિસર્ચ પાર્ટનર ડો.સુમન ચક્રવર્તી, SVNIT -સુરતના પ્રો.જી.જે.જોષી તથા મેટટેસ્ટ લેબોરેટરી-સુરતના એમ.ડી.શ્રી વિશાલ રૈયાણી સહાયરૂપ બન્યા છે