આણંદ,
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના પ્રત્યેક ગામના ૭૫ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવવાના આહવાનને ખરા અર્થમાં સાર્થક કરતુ ઉદાહરણ આણંદ જિલ્લો પૂરૂ પાડી રહ્યો છે. સમગ્ર જીલ્લામાં છેલ્લા ૨ વર્ષમાં અંદાજીત 30 હજારથી વધુ ખેડુતોને પ્રાકૃતિક ખેતીથી માહિતગાર કરી તેમને માર્ગદર્શન તાલીમ આપવામાં આવી છે.
આણંદ જિલ્લામા પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા અને વધુમા વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાય તે માટે આણંદ જિલ્લા કલેક્ટરશ્રી ડી.એસ.ગઢવી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિલિંદ બાપનાના માર્ગદર્શન હેઠળ ‘આત્મા અને ખેતીવાડી’ એ અભિનવ પ્રયાસ હાથ ધર્યો છે. જે અંતર્ગત જિલ્લાના ખેતીવાડી, બાગાયત, પશુપાલન અને આત્મા પ્રોજેક્ટના તમામ તાલુકા અને ગ્રામ્ય કક્ષાના અધિકારી/કર્મચારીઓ દ્વારા પ્રત્યેક ગુરૂવારે જીલ્લાના ગામોમાં જઇને પ્રાકૃતિક કૃષિથી માહિતગાર કરી ખેડૂતોને તાલીમ આપવામાં આવશે.
આ તાલીમમાં પ્રાકૃતિક ખેતીમાં રસ ધરાવતા અને પ્રાકૃતિક ખેતી કરવા માંગતા તમામ ખેડૂતોને રાસાયણીક ખાતર અને જંતુનાશક દવાના બેફામ ઉપયોગથી જમીનને થતા નુકસાન તેમજ બંજર થઇ ગઇ હોય તેવી જમીન ને ફરી ફળદ્રુપ બનાવવા, પ્રાકૃતિક ખેતીના મુખ્ય આયામો જેવાકે જીવામૃત, બીજામૃત, ઘનજીવામૃત વગેરે બનાવવા અને તેના ઉપયોગ કરવાની રીત તેમજ પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી થતા ફાયદા અને લાભ અંગેની માહિતી અને માર્ગદર્શન આપવામા આવશે તેમ આણંદ ‘આત્મા’ ના પ્રોજેક્ટ ડાયરેક્ટરની એક યાદીમાં જણાવાયુ છે.
વધુમા આ તાલીમમાં જોડાવા માટે જે તે ગામના ગ્રામસેવક/એટીએમનો સંપર્ક કરી તાલીમમાં જોડાઇ પ્રાકૃતિક ખેતીની તાલીમનો લાભ લેવા તથા જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે તેઓ પણ આ તાલીમ કાર્યકમમાં જોડાય અને પોતાને થયેલા અનુભવો અન્ય ખેડુતોને સમજાવવા જણાવવામાં આવ્યુ છે.
*------------*