આણંદ,
સમગ્ર દેશના લોકોને સુખ સુવિધાઓ મળી રહે તે માટે પ્રધાનમંત્રીશ્રી દ્વારા અનેક નવતર પહેલ હાથ ધરીને છેવડાના માનવી સુધી તેનો લાભ પહોંચાડવામાં આવી રહ્યો છે. ગામડામાં વસતા પ્રત્યેક પરીવારોને તેમના ગામમાં જ ગેસ સિલિન્ડરની સુવિધા મળી રહે તેવા પ્રધાનમંત્રીશ્રીના ધ્યેયને ધ્યાને લઈ આણંદ જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા નવતર પહેલ હાથ ધરવામાં આવી છે, જે અન્વયે આગામી સમયમાં જિલ્લાની વ્યાજબી ભાવની દુકાનો પરથી ૫ કીલો વજનના ગેસ સિલિન્ડરનું વેચાણ થશે.
આ નવતર પહેલની જાણકારી આપતા જિલ્લા કલેક્ટરશ્રી ડી.એસ. ગઢવીએ જણાવ્યું હતું કે, ગામડાના લોકોને સમયસર ગેસ સિલિન્ડર મળી રહે તેવા આશયથી આણંદ જિલ્લામાં પ્રારંભિક ધોરણે તારાપુર ખાતે આવેલી વ્યાજબી ભાવની ૨ દુકાનો પરથી ૫ કીલો વજનના ગેસ સિલિન્ડરનું વેચાણ કરવામાં આવશે, જેની પ્રત્યેક સિલિન્ડરની કિંમત રૂ. ૩૯૦ નક્કી કરવામાં આવી છે. આ માટે વ્યાજબી ભાવની આ બન્ને દુકાનોના સંચાલકો અને ગેસ એજન્સીઓ સાથે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે અને આગામી સમયમાં જિલ્લામાં વધુ વ્યાજબી ભાવની દુકાનો સાથે એમ.ઓ.યુ. કરવામાં આવશે. જેના કરણે ગ્રામ્ય વિસ્તારમાં વસતા લોકોને તેમના ગામમાંથી જ ગેસ સિલિન્ડર મળી રહેશે.
*****