AnandToday
AnandToday
Saturday, 18 Feb 2023 18:30 pm
AnandToday

AnandToday

આંકલાવ નવીન કોર્ટ ભવન થકી ન્યાયની પ્રક્રિયા વધુ ઝડપી બનવાની સાથે આમ જનતાને સારી સુવિધા પ્રાપ્ત થશે -મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી સોનિયા ગોકાણી

આંકલાવ ખાતે રૂા. ૭.૮૩ કરોડના ખર્ચે નિર્માણ પામેલ આધુનિક કોર્ટ ભવનનું લોકાર્પણ

આણંદ, 
 આણંદ જિલ્લાના આંકલાવ ખાતે રૂ. ૭.૮૩ કરોડના ખર્ચે તૈયાર થયેલ અત્યાધુનિક સુવિધાસભર ન્યાયમંદિરને ગુજરાત વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી સોનિયા ગોકાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી સોનિયા ગોકાણીએ જણાવ્યું હતું કે, શ્વેતક્રાંતિનું જનક એવું આણંદ, અનેક નામી-અનામી મહાત્માઓની કર્મભૂમિ રહ્યું છે. આવા ઐતિહાસિક આણંદના આંકલાવ તાલુકા મથક ખાતે આજે નવીન કોર્ટ ભવનને ખુલ્લું મુકતા હું ગર્વની લાગણી અનુભવું છું. આંકલાવ તાલુકાને નવીન કોર્ટ ભવન મળતા ન્યાયની પ્રક્રિયા વધુ ઝડપી બનવાની સાથે લોકોને અત્યાધુનિક સુવિધાઓ પ્રાપ્ત થશે. તેમણે લોકોને ઝડપી ન્યાય અપાવવામાં વકીલો અને ન્યાયાધિશશ્રીઓની ભૂમિકા મહત્વની હોવાનું વધુમાં જણાવ્યું હતું.

આ પ્રસંગે ગુજરાત વડી અદાલતના ન્યાયમૂર્તિ શ્રી બી.એ. વૈષ્ણવ, શ્રી આર.એમ. સરીન અને જિલ્લા કલેક્ટરશ્રી ડી.એસ.ગઢવીએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું.

કાર્યક્રમ બાદ ન્યાયમૂર્તિ શ્રી બી. એ. વૈષ્ણવ અને શ્રી આર.એમ. સરીને ન્યાયમંદિરના દરેક રૂમની મુલાકાત લઇ નિરીક્ષણ કર્યુ હતું. આ  પ્રસંગે તેમની સાથે આણંદ જિલ્લાના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજશ્રી વી. બી. ગોહિલ, જિલ્લા કલેક્ટરશ્રી ડી. એસ. ગઢવી, આંકલાવ કોર્ટના પ્રિન્સિપાલ સિવિલ જજશ્રી ડી.પી. પૂંજાણી તથા જિલ્લાની તમામ કોર્ટના જજ શ્રીઓ, સરકારી વકીલશ્રીઓ તેમજ બાર એસોસિએશનના હોદ્દેદારો પણ જોડાયા હતા.

આ કોર્ટ બિલ્ડિંગમાં ન્યાયાધીશ, મહિલા વકીલો,  પુરુષ વકીલોને બેસવા માટે  સુવિધા ઊભી કરવામાં આવી છે. ઉપરાંત હાઇટેક ફેસેલીટી ધરાવતા આ બિલ્ડીંગમાં વીડીયો કોન્ફરન્સીંગની પણ સુવિધા ઉપલબ્ધ બનવવામાં આવી છે જેના કારણે આ ન્યાય મંદીરમાં ન્યાય મેળવવા માટે આવતા લોકોને અત્યાધુનિક સુવિધા પ્રાપ્ત થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે આણંદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ બે માળના આ આધુનિક કોર્ટ સંકુલમાં બે કોર્ટ રૂમ, જજશ્રીઓ માટે બે ચેમ્બર, મહિલા અને પુરુષ વકીલ બાર માટે અલાયદા રૂમ, પક્ષકારો માટે વેઇટિંગ રૂમ, રેકર્ડ રૂમ, મુદ્દા માલ રૂમ, કોન્ફરન્સ રૂમ, ફાઇલીંગ સેન્ટર, સ્ટ્રોંગ સેન્ટર રૂમ, રજીસ્ટાર રૂમ, પીવાના પાણી માટે આર.ઓ. સિસ્ટમ, સરકારી વકીલની રૂમ, વાહનોના પાર્કિંગ માટેની વ્યવસ્થા, જજીસ માટે ક્વાર્ટર્સની વ્યવસ્થા, મહિલા અને પુરુષ કેદીઓ માટે અલગ રૂમની વ્યવસ્થા, કેન્ટીન ફેસીલીટી, વિડિયો કોન્ફરન્સની સુવિધા, સ્ટેશનરી રૂમ, ઝેરોક્ષ  રૂમ, ઈલેક્ટ્રીક રૂમ, ઇન્કવાયરી રૂમ, બાર લાઇબ્રેરી રૂમ, નાઝીર રૂમ, કોમ્પ્યુટર રૂમ, સાઇબર રૂમ, બેન્ચ ક્લાર્ક રૂમ ઉપરાંત પોસ્ટ અને બેંક સાથેની ફેસિલિટી સાથેનું બે માળનું અત્યાધુનિક મકાન તૈયાર કરવામાં આવ્યું છે.

આ  પ્રસંગે આણંદ જિલ્લાના ડિસ્ટ્રિક્ટ જજશ્રી વી. બી. ગોહિલ, જિલ્લાની તમામ કોર્ટના જજશ્રીઓ, સરકારી વકીલો, વકીલો, બાર એસોસિએશનના હોદ્દેદારો, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ તેમજ ન્યાયપાલિકાના કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા.
*****