AnandToday
AnandToday
Saturday, 18 Feb 2023 18:30 pm
AnandToday

AnandToday

G-20 સમિટ-૨૦૨૩ નિમિત્તે 
વડોદરા ઝોનની ૨૬ નગરપાલિકાઓમાં તા. ૨૧ ફેબ્રુઆરીના રોજ સિટીવોક (મેરેથોન) નું આયોજન

G-20 સિટિવોક (મેરેથોન) નગરપાલિકા વિસ્તારમાં ચાર કિ.મી.ના રૂટ પર યોજવામાં આવશે

વડોદરા 
વૈશ્વિક ફલક ઉપર ભારતીય સંસ્કૃતિની "વસુધૈવ કુટુમ્બકમ્" ની વિભાવનાને ચરિતાર્થ કરવાની નેમ સાથે G-20 સમિટ-૨૦૨૩નું યજમાન ભારત  બન્યું છે.જેના ભાગરૂપે  ગુજરાતમાં G- 20 સમિટની મહત્વની ૧૬ ઇવેન્ટ યોજાઈ રહી છે.

   સમગ્ર રાજ્યની મહાનગરપાલિકાઓ તથા નગરપાલિકાઓ વિસ્તારમાં વસવાટ કરતા નગરજનો પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે કાર્યક્રમોમાં સામેલ થાય તથા વધુમાં વધુ જન ભાગીદારી કેળવાય તેવા શુભાશયથી G-20 સમિટ વર્ષ- ૨૦૨૩ના સમગ્ર વર્ષ દરમિયાન કાર્યક્રમની ઉજવણી સુચારૂ રીતે થાય તે માટે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા વિવિધ  જુદા જુદા કાર્યક્રમોનું વર્ષ દરમ્યાન આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમોના આયોજનના ભાગરૂપે પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ વડોદરા ઝોનના પ્રશસ્તિ પારીકના માર્ગદર્શન હેઠળ વડોદરા ઝોનની ૨૬ નગરપાલિકાઓમાં તા. ૨૧.૦૨.૨૦૨૩ના રોજ સવારે ૮:૩૦ કલાકે G-20 સિટિવોક (મેરેથોન) નગરપાલિકા વિસ્તારમાં ૪.૦૦ કિ.મી.ના રૂટ પર યોજવામાં આવશે. આ G-20 સિટિવોક (મેરેથોન)માં નગરપાલિકા વિસ્તારના મંત્રીશ્રીઓ, સંસદસભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, પ્રમુખશ્રીઓ તેમજ અન્ય ચૂંટાયેલા પદાધિકારીશ્રીઓ તથા નગરપાલિકાના નાગરિકો ભાગ લેનાર છે.

    આ ઉપરાંત સ્થાનિક કલાકારોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. નગરપાલિકા વિસ્તારની શાળાઓ, કોલેજો, સ્વૈચ્છિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, મહિલા મંડળો, સખી મંડળો, ખાનગી સંસ્થાઓ વગેરે પણ આ કાર્યક્રમમાં ભાગ લેનાર છે. NCC તથા NSS જેવી સંસ્થાઓ પણ તેમાં જોડાશે.

    આ અંગે વધુ વિગતો આપતાં પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી, વડોદરાના અધિક કલેક્ટર ગોપાલ બામણીયાએ જણાવ્યું હતું કે હાલ G-20 સમિટ-૨૦૨૩નું યજમાન ભારત દેશ બન્યું છે ત્યારે આ અંગેની માહિતી લોકો સુધી પહોંચે તથા સમગ્ર વર્ષ દરમિયાન દેશમાં અને રાજયમાં યોજાનાર આ વિવિધ કાર્યક્રમો અંગે લોકોને જાણકારી મળી રહે તે ધ્યાને લઇ વડોદરા ઝોનના વડોદરા, આણંદ, છોટાઉદેપુર, દાહોદ, મહિસાગર તથા પંચમહાલ એમ ૦૬ જિલ્લાની મળી કુલ ૨૬ નગરપાલિકાઓમાં આ કાર્યક્રમ યોજવામાં આવનાર છે. સમગ્ર વર્ષ દરમિયાન જુદાં-જુદાં માસમાં વોર્ડ મિટિંગ, ભીંત ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, ક્વીઝ સ્પર્ધા વગેરે કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમોમાં વધુમાં વધુ જન ભાગીદારી કેળવાય તેવાં પ્રયત્નો પણ હાથ ધરવામાં આવનાર છે. આયોજન કરવામાં આવનાર જુદી-જુદી સ્પર્ધાઓમાં વિજેતા થનાર વિદ્યાર્થીઓ/નાગરિકોને નગરપાલિકાઓ દ્વારા વિવિધ પુરસ્કાર આપીને  સન્માનિત કરવામાં આવશે.