આણંદ,
ભૂર્ગભ જળસ્તર ઊંચા લાવવાના વડાપ્રધાનશ્રીના સપનાને સાકાર કરવા વરસાદી પાણીના મહત્તમ સંગ્રહ માટે મહત્વાકાંક્ષી એવા સુજલામ સુફલામ જળ અભિયાનનો સમગ્ર રાજ્યમા પ્રારંભ થયો છે. સમગ્ર ગુજરાતની સાથે આજે આણંદ જિલ્લામાં પણ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઇ સોલંકીના હસ્તે બોચાસણ ખાતે નિર્માણ પામનાર તળાવનું ખાતમુહુર્ત કરી જળ અભિયાનનો પ્રારંભ કરાવાયો હતો.
આ પ્રસંગે નાયબ મુખ્ય દંડકશ્રી એ જણાવ્યું હતું કે, ભવિષ્યની પાણીની જરૂરીયાતને ધ્યાને લઈ ભુગર્ભ જળ ઉંચું લાવવાની વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની દિર્ઘદ્રષ્ટીને પરીણામે આજે સમગ્ર ગુજરાતમાં અનેક જળસંચયના સ્ત્રોત -તળાવો આકાર પામ્યા છે, જેના પરીણામે લોકોને પીવાના પાણીની સુવિધા પ્રાપ્ત થઈ રહી છે.
તેમણે વધુમાં આણંદ જિલ્લામાં આ યોજના અંતર્ગત આગામી દિવસોમાં તળાવો ઊંડા કરવાના કામો, તળાવ સાફ સફાઇના કામો, રિપેરીંગ કામો તેમજ ખેત તલાવડી નિર્માણના કામો સહિત નદીઓને પૂનઃજીવીત કરવાના અને નહેરો તેમજ કાંસની સફાઇના કામો કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં સાંસદ શ્રી મિતેષભાઇ પટેલે પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, લોકકલ્યાણની સતત ચિંતા કરતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભવિષ્યમાં પાણીની સમસ્યા ના સર્જાય તે માટે તળાવો ઉંડા કરવાનું તેમજ નવા તળાવો બનાવવાનું જે અભિયાન શરૂ કર્યું જેના કારણે વરસાદી પાણીનો સંગ્રહ થવાથી લોકોને પીવાના પાણી અને ખેડૂતો માટે સિંચાઇની સુવિધાની સાથે પશુઓને પણ પીવાના પાણીનો લાભ મળી રહ્યો છે.
આ પ્રસંગે પેટલાદના ધારાસભ્યશ્રી કમલેશભાઇ પટેલે બોચાસણ ખાતે નિર્માણ પામતા આ તળાવ થકી ભુગર્ભ જળસ્તર ઉંચું આવવાની સાથે આજુબાજુના વિસ્તારને પાણીની સમસ્યામાથી મુક્તિ મળશે તેમ જણાવ્યુ હતુ.
આણંદ જિલ્લા કલેક્ટરશ્રી ડી.એસ. ગઢવીએ આ કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, આ યોજનાનો ઉદ્દેશ માત્ર પાણી જમીનમાં ઉતારવાનો જ નહીં પરંતુ જીવસૃષ્ટી ટકાવી રાખવાનો હોવાથી આ યોજના અતિ મહત્વપુર્ણ સાબિત થશે. તેમણે આણંદ જિલ્લામાં અમૃત સરોવરની સાથે સાથે વધુ વૃક્ષો વાવીને અમૃત વનોનું પણ નિર્માણ કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.
કાર્યક્રમના અંતે આણંદ જિલ્લા પંચાયતના સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી મનોજ પરમારે આભારવિધિ કરી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી વિપુલભાઇ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિલિંદ બાપના, અગ્રણીશ્રીઓ, સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
*****