ચાંગા
ચારૂસેટ કેમ્પસ માટે રૂપિયા 1 કરોડથી વધુ રકમનું માતબર દાન આપનાર મૂળ મહેળાવના વતની, હાલમાં USA સ્થિત વિખ્યાત ન્યુ યોર્ક લાઈફ USAના ઈન્સ્યોરન્સ એજન્ટ અને ઉદાર દિલના દાતા શ્રી વિષ્ણુભાઈ વલ્લભભાઈ પટેલને શ્રી ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળના ઉપક્રમે 16મી ફેબ્રુઆરી, ગુરૂવારે ચારૂસેટ કેમ્પસમાં ‘દાનભાસ્કર એવોર્ડ’ એનાયત કરવામાં આવશે. કેળવણી મંડળના ટ્રસ્ટી અને CHRFના ઉપપ્રમુખ શ્રી વિષ્ણુભાઈ પટેલ મૂળ મહેળાવના વતની છે પરંતુ વર્ષોથી USAમાં સ્થાયી થયેલા છે.
આ પ્રસંગે ચારૂસેટ અને કેળવણી મંડળના પ્રમુખ શ્રી સુરેન્દ્રભાઈ પટેલ, માતૃસંસ્થા અને CHRFના પ્રમુખ શ્રી નગીનભાઈ પટેલ, કેળવણી મંડળ, માતૃસંસ્થા અને CHRFના માનદ મંત્રી ડો. એમ. સી. પટેલ, ચારૂસેટના પ્રોવોસ્ટ ડો. આર. વી. ઉપાધ્યાય, ગવર્નીંગ બોડી અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો, માતૃસંસ્થા, કેળવણી મંડળ, ચારુસેટ, CHRFના પદાધિકારીઓ, હોદ્દેદારો, વિષ્ણુભાઈ પટેલના પરિવારજનો, ચારૂસેટના રજીસ્ટ્રાર ડો. અતુલ પટેલ, વિવિધ ફેકલ્ટીના ડીન, વિવિધ કોલેજોના પ્રિન્સિપાલ, સ્ટાફ મેમ્બર્સ ઉપસ્થિત રહેશે.
શ્રી વિષ્ણુભાઈ પટેલે મહેળાવમાં કૉમ્યુનિટી હેલ્થ સેન્ટરના નિર્માણમાં 10 બેડ માટે રૂ. 26 લાખનું દાન આપ્યું છે. 1985થી માતૃસંસ્થાની સમૂહ લગ્નની પ્રવૃતિમાં ખૂબ સક્રિય ભૂમિકા અદા કરી રહ્યા છે. ન્યુ યોર્કમાં ગુજરાતી સમાજની સ્થાપનામાં અને ન્યુ યોર્કમાં સમાજ બિલ્ડીંગના નિર્માણમાં તેમની મહત્વની ભૂમિકા છે. ન્યુ યોર્કમાં ગુજરાતી સમાજના પ્રમુખ તરીકે 1978થી 1984 સુધી સેવા આપી હતી. વિવિધ સંસ્થાઓમાં વિકાસમાં સક્રિય રોલ અદા કર્યો છે. તેઓ ફેડરેશન ઓફ નોર્થ અમેરિકન ગુજરાતી એસોસિએશનના પ્રમુખ હતા જેનો હેતુ નોર્થ અમેરીકામાં વસતા તમામ ગુજરાતીઓને ગુજરાતની સંસ્કૃતિ જાળવવા એકજૂટ કરવાનો છે. તેઓ ફેડરેશન ઓફ ઇન્ડીયન એસોસિએશનના 2 વર્ષ માટે પ્રમુખ હતા તેમજ વૈષ્ણવ ટેમ્પલ ન્યુ યોર્કના મેમ્બર અને ટ્રસ્ટી હતા.