આણંદ
ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ( અમૂલ ડેરી)ના ચેરમેન અને વાઇસ ચેરમેનની મંગળવારના રોજ યોજાયેલી ચૂંટણીમાં અમૂલ ડેરીમાં ચેરમેન તરીકે વિપુલ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે કાંતિભાઇ સોઢા પરમારની આજે બિનહરીફ વરણી કરાઇ છે. ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અને અમૂલના ડિરેક્ટર વિપુલ પટેલ(ડુમરાલ) અમૂલ ડેરી આણંદના નવા ચેરમેન બન્યા છે. વિપુલ પટેલ છેલ્લી 2 ટર્મથી નડિયાદ એપીએમસીના ચેરમેન પણ છે અને 2 ટર્મ સભ્ય રહ્યા છે. તેઓ આરકો ગુલના પણ 2 ટર્મથી ચેરમેન છે અને ગુજકોમાસોલના ડિરેક્ટર પણ છે. બીજી તરફ હાલમાં જ ભાજપમાં જોડાયેલા આણંદ ના પૂર્વ ધારાસભ્ય કાંતિ સોઢા પરમાર વાઇસ ચેરમેન બન્યા છે.
આણંદ સ્થિત અમૂલ ડેરીના સરદાર પટેલ સભા ગૃહમાં આજે સવારના ૧૧ કલાકે આગામી અઢી વર્ષની મુદ્દત માટે અમુલના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. એ પુર્વે ગઈકાલે ભાજપના ત્રણ નીરીક્ષકો પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા, પ્રદેશ ઉપપ્રમુખ એમ. એસ. પટેલ, અને સહકારી સેલના ચેરમેન બીપીનભાઈ પટેલ (ગોતા)એ આણંદ ખાતેના કમલમ ખાતે ડીરેક્ટરોની સેન્સ લીઘી હતી. જેમાં ભાજપના કુલ ૧૧ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સેન્સ પ્રક્રિયા બાદ આજે સવારે તમામ ડીરેક્ટરોને સરકીટ હાઉસ ખાતે એકત્ર કરવામાં આવ્યા હતા. જ્યાં પ્રદેશમાંથી મેન્ડેડ લઈને આવી પહોંચેલા ત્રણેય નીરીક્ષકો સાથે ડીરેક્ટોની મીટીંગ યોજાઈ હતી. ત્યાં જ મેન્ડેડ અંગેની જાણકારી આપવાની હતી પરંતુ ત્યાંથી સીધા જ અમુલના સભાખંડમાં પ્રદેશના મેન્ડેડને ખોલવામાં આવ્યો હતો. જેમાં ચેરમેનપદે વિપુલભાઈ પટેલ અને વાઈસ ચેરમેનપદે કાન્તીભાઈ સોઢા પરમારના નામો નીકળ્યા હતા. જેથી બન્નેએ ફોર્મ ભર્યા હતા જેમની સામે એકપણ ફોર્મ ના ભરાતા ચૂંટણી અધિકારીએ બન્નેને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા હતા. આ સાથે જ ફેડરેશન બાદ હવે અમુલ ડેરી ઉપર પણ ભાજપનો સંપુર્ણ કબ્જો થઈ જવા પામ્યો છે. ભાજપે આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આણંદ- ખેડા તેમજ પટેલ-ક્ષત્રિયનું કોમ્બીનેશન પણ જાળવી રાખીને માસ્ટર સ્ટોક માર્યો છે. ચેરમેનપદે ખેડા જિલ્લામાંથી પટેલ એવા ડુમરાલના વિપુલભાઈભાઈ પટેલની પસંદગી કરી છે જ્યારે વાઈસ ચેરમેનપદે આણંદ જિલ્લામાંથી ક્ષત્રિય એવા વાંસખીલીયાના કાન્તીભાઈ સોઢાની પસંદગી કરી છે. અમુલ ઉપર ભાજપનો સંપુર્ણ કબ્જો થઈ જતાં ત્યાં ઉપસ્થિત ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડીને તેમજ મીઠાઈ વહેંચીને વિજયોત્સવ મનાવ્યો હતો. એક તબક્કે સરકીટ હાઉસ ખાતે પ્રદેશના મેન્ડેડની જાણ ના કરતા એવું લાગતુ હતુ કે, પ્રદેશના મેન્ડેડને અવગણીને રામસિંહ પરમાર ચેરમેનપદે ઉમેદવારી કરશે. પરંતુ તેઓએ ભાજપ મોવળીમંડળ સમક્ષ શરણાગતિ સ્વીકારી લેતાં હવે અમુલમાંથી રામ-રાજનો અંત આવી જવા પામ્યો છે.
આજની ચૂંટણીમાં ચૂંટાયેલા ૧૩ ડિરેક્ટરો ઉપરાંત સ્ટેટ રજીસ્ટ્રારના પ્રતિનિધી તરીકે ખેડા જીલ્લા રજીસ્ટ્રાર ઉર્વશીબેન બ્રહ્મભટ્ટ તથા ધ ગુજરાત કો. ઓ.મીલ્ક માર્કેટીંગ ફેડરેશનના પ્રતિનિધિ તરીકે એમ.ડી. જયનભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા.
અમુલ ડેરીના ચેરમેનપદે ચૂંટાયેલા ખેડા જિલ્લાના ડુમરાલના વિપુલભાઈ પટેલે પોતાને ચેરમેન બનાવા અંગે ભાજપના મોવળીમંડળનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતુ કે, પશુપાલકોના હિતમાં ઘર છોડવું પડે તો પણ હું તૈયાર છું. પશુપાલકોનું હિત મારા હૈયે વસેલુ છે. તેઓએ ભારપુર્વક જણાવ્યું હતુ. તેઓએ વધુમાં જણાવ્યું હતુ કે, વિતેલા સાશકો કરતા વધુને વધુ સારો વહિવટ કરીને અમુલને તેમજ પશુપાલકોની સ્થિતિ વધુને વધુ સારી કરવાનો પ્રયાસ કરવામાં આવશે. ઘાસચારો, દાણ વગેરેના વધતા ભાવો પડકારરૂપ છે પરંતુ તેને પણ પહોંચી વળવા માટે સૌ ડીરેક્ટરો સાથે મળીને કાર્ય કરી પશુપાલકોને વધુને વધુ ફાયદો થાય તે દિશામાં કામગીરી કરવામાં આવનાર છે.
આણંદ વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય અને તાજેતરમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈને આજે અમુલ ડેરીના વાઈસ ચેરમેનપદે બિનહરીફ ચૂંટાયેલા કાન્તીભાઈ સોઢા પરમારે જણાવ્યું હતુ કે, હું કોઈપણ પદ કે લાલસા વગર માત્રને માત્ર પ્રજાકીય હિત માટે ભાજપમાં જોડાયો હતો, ભાજપે મારી કદર કરીને આજે મને વિશ્વમાં પ્રખ્યાત થયેલી સહકારી ક્ષેત્રે સંકળાયેલી અમુલ જેવી આટલી મોટી સંસ્થામાં વાઈસ ચેરમેન બનાવ્યો છે તે બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ, પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત પાર્ટીના શીર્ષ નેતૃત્વનો ખુબ..ખુબ..આભાર માનુ છુ. પાર્ટીએ મને વાઈસ ચેરમેનની જવાબદારી સોંપી છે ત્યારે આગામી સમયમાં પશુપાલકોનો પોષણક્ષમ ભાવો મળે, પશુપાલકોનું જીવનધારણ ઉંચુ આવે તેમજ તમામ પ્રકારની સગવડો મળી રહે તેવા અથાગ પ્રયાસો કરવામાં આવશે.