ચાંગા
ચાંગા સ્થિત વિશ્વવિખ્યાત ચારૂસેટ યુનિવર્સીટી સંલગ્ન કેરિયર એન્ડ પ્લેસમેન્ટ સેલ (CDPC) દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસાર્થે સતત વિવિધ પ્રવૃતિઓનું આયોજન થાય છે. જેમાં વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશમાં જવાની અભિલાષા હોય તેમને સાચું માર્ગદર્શન પ્રાપ્ત થાય તે માટે ગવર્નમેન્ટ એજન્સીઓ દ્વારા પ્રોગ્રામ્સનું આયોજન કરવામાં આવે છે. બીજી ફેબ્રુઆરીએ ગુરુવારે ચારુસેટ કેમ્પસમાં USA એજયુકેશન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. USA સરકારની ગુજરાત સ્થિત એકમાત્ર ઓફિસ Education USA દ્વારા CDPCના સંયુક્ત ઉપક્રમે અમેરિકાથી વિવિધ યુનિવર્સિટીઓના અધિકારીઓ સાથે વિદ્યાર્થીઓનો સીધો સંપર્ક થાય તેવું સફળ આયોજન થયું હતું.
આ ફેરમાં વિવિધ યુનિવર્સિટીઓ જેવી કે એરિઝોના સ્ટેટ યુનિવર્સિટી, ઇલિનોઈસ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી, શિકાગો, જોહન્સ હોપ્કીન્સ કેરી બિઝનેસ સ્કૂલ, લીહાઇ યુનિવર્સિટી, લુડી સ્કૂલ ઓફ ઇન્ફોર્મેટિક્સ, કોમ્પ્યુટિંગ એન્ડ એન્જીનિયરીંગ ઇન્ડિયાના યુનિવર્સિટી બ્લૂમીંગ્ટન, NYU ટંડન સ્કૂલ ઓફ એન્જીનિયરીંગ, નોર્થઈસ્ટર્ન યુનિવર્સિટી, ધ યુનિવસિટી ઓફ એરિઝોના, યુનિવર્સિટી ઓફ લુઈસવિલે કોલેજ ઓફ બિઝનેસ, યુનિવર્સિટી ઓફ રોચેસ્ટર, યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયા-વીટેર્બી સ્કૂલ ઓફ એન્જીનિયરીંગ, યુનિવર્સિટી ઓફ ઉત્તાહ, વેઇન સ્ટેટ યુનિવર્સિટી, વોર્સેસ્ટર પોલિટેકનિક ઇન્સ્ટીટ્યુટ બિઝનેસ સ્કૂલ, એજયુકેશનUSA-US સ્ટેટ ડિપાર્ટમેન્ટ એડવાઈઝિંગ સેન્ટર વગેરેએ ભાગ લીધો હતો.
આ ફેરમાં 1000 થી વધારે વિદ્યાર્થીઓએ અમેરિકાની યુનિવર્સિટીઓના અધિકારીઓને રૂબરૂ મળી તેમની યુનિવર્સિટી માટેની સ્કોલરશીપ, વિવિધ કોર્સ, એડમિશન પ્રોસેસ, વગેરેની માહિતી લીધી હતી. આ ફેરમાં વિદ્યાર્થીઓને નિશુલ્ક પ્રવેશ આપવામાં આવ્યો હતો જેના લીધે ચારુસેટની સાથે ગુજરાતની વિવિધ ખ્યાતનામ યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી હતી.
CDPC દ્વારા ઉચ્ચ અભ્યાસાર્થે જવા માગતા વિદ્યાર્થીઓ માટે દર વર્ષે વિવિધ કાર્યક્રમો યોજાય છે જેમ કે સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી,વીઝા કોન્સ્યુલેટનું સેશન, ખ્યાતનામ યુનિવર્સિટીઓના વકતાઓનું માર્ગદર્શન, વગેરે.
USA એજયુકેશન ફેરમાં ચારુસેટના વિદ્યાર્થીઓએ પોતાની કારકિર્દી માટેના પ્રશ્નો પૂછ્યા હતા અને માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું. વેઇન સ્ટેટ યુનિવર્સિટીના પ્રતિનિઘિ શ્રધ્ધા સિંગારેએ કહ્યું કે ચારુસેટના વિદ્યાર્થીઓના સવાલ એટલા ઉચ્ચ કક્ષાના હતા કે તેનો જવાબ આપવા માટે અમારે પણ ગૂગલ કરવું પડે તેમ હતું. યુનિવર્સિટી ઓફ એરિઝોનાના પ્રતિનિઘિના જણાવ્યા મુજબ સમગ્ર ભારતમાં ચારુસેટના વિદ્યાર્થીઓની ક્વોલિટી અને વિદ્યાર્થીઓ પ્રત્યે સંસ્થાના અભિગમના કારણે અમે દર વર્ષે અહી મુલાકાત કરીએ છીએ. ઇલિનોઈસ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજીના પ્રતિનિઘિના જણાવ્યા મુજબ ચારુસેટના વિદ્યાર્થીઓ દર વર્ષે USA ની ખ્યાતનામ યુનિવર્સિટીમાં સ્કોલરશીપ સાથે એડમિશન લઈ પોતાના પરિવારનું અને સમાજનું સપનું પૂર્ણ કરે છે.
ઉલ્લેખનીય છે કે ચારુસેટમાં વર્ષ 2017થી દર વર્ષે USA એજયુકેશન ફેરનું આયોજન કરવામાં આવે છે.