આણંદ
મહાત્મા ગાંધીની ૭૫ મી પૂણ્યતિથિએ ગાંધી ચિત્રકથા નામના સચિત્ર પુસ્તકનું નવી દિલ્હી ખાતે વિવિધ ૧૯ ભાષાઓમાં લોકાર્પણ કરી પૂજ્ય બાપુને નોખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ પુસ્તક પ્રકાશનમાં વલ્લભ વિદ્યાનગરનું પણ સવિશેષ યોગદાન રહ્યું છે. વિદ્યાનગર સ્થિત ગુરુ ડિઝાઇન શોપમાંથી આ પુસ્તકોનું પ્રકાશન કરવામાં આવ્યું છે.
લેખિકા અને ચિત્રકાર શ્રીમતી સરલાદેવી મઝુમદાર દ્વારા લખાયેલા પુસ્તક ગાંધી ચિત્રકથાને અન્ય ૧૬ ભારતીય અને ત્રણ વિદેશી ભાષામાં ડિઝાઇન -પ્રિંટિંગ અને પ્રકાશન કેતન રાજ્યગુરુ અને ભરત રાજ્યગુરુ (ગુરુબંધુ) એ એમના વલ્લભ વિદ્યાનગર સ્થિત ગુરુ ડિઝાઇન શોપ માંથી પ્રકાશિત કર્યાં છે. કુલ ૧૯ ભાષાઓમાં પ્રકાશિત આ પુસ્તકોનું તાજેતરમાં મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિના ભાગ રૂપે નેશનલ ગાંધી મ્યુઝિયમ, રાજઘાટ, ન્યૂ દિલ્લી ખાતે ભૂતપૂર્વ વિદેશ મંત્રી અને આઈ.સી. સી. આર.ના ચેરમેન ડો. કરણ સિંહના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.
આ સમારંભનાં પ્રમુખ નેશનલ ગાંધી મ્યુઝીયમનાં ચેરપર્સન અને પૂ. બાપુનાં પૌત્રી શ્રીમતી તારા ગાંધી ભટ્ટાચાર્ય દ્વારા ભારતના ખૂણે ખૂણેથી આવેલા ૯ અનુવાદકો અને પ્રકાશક ગુરુબંધુઓનું બહુમાન કરવામાં આવ્યું હતું.