AnandToday
AnandToday
Sunday, 29 Jan 2023 18:30 pm
AnandToday

AnandToday

આણંદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિન્દ બાપનાની નવતર પહેલ

આરોગ્ય સેવાઓથી સંતોષ નથી, કોઇ ફરિયાદ કે સૂચન છે તો +૯૧ ૭૫૬૭૦૨૮૧૧૧ ઉપર ફોન કરો અથવા વોટસઅપ કરો

ફરિયાદ કે સૂચન કરનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે

 

આણંદ

રાજયના નાગરિકોની આરોગ્ય સુખાકારી જળવાઇ રહે અને તેઓને ત્વરિત સારવાર મળી રહે તે માટે રાજય સરકાર દ્વારા સમગ્ર રાજયમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુહિક આરોગ્ય કેન્દ્રો, શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે. 

આણંદ જિલ્લામાં પણ જિલ્લા પંચાયત આણંદ હસ્તક આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુહિક આરોગ્ય કેન્દ્રો અને શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો કાર્યરત છે. આ આરોગ્ય કેન્દ્રો ખાતે આરોગ્યની તપાસણી-ચકાસણી અર્થે આવતાં નાગરિકોને ઘણીવાર આરોગ્ય સેવાઓ પ્રતિ સંતોષ નથી હોતો કે ફરિયાદ રહેતી હોય છે તો કેટલાંક નાગરિકોને આરોગ્ય સેવાઓ પ્રતિ સૂચનો કરવા હોય છે. આણંદ જિલ્લાના આવા નાગરીકો માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિલિન્દ બાપનાએ નવતર પહેલ રૂપ કાર્ય આરંભ્યુ છે.

જિલ્લાના નાગરિકોની આરોગ્ય સુખાકારીમાં વધારો થાય અને જિલ્લાના નાગરિકોને ઉત્તમ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ બની રહે તે માટે જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિન્દ બાપનાએ હાથ ધરેલ નવતર પહેલના ભાગરૂપે સીધા તેમના માર્ગદર્શન હેઠળ જિલ્લાના આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રો ખાતે આરોગ્ય સેવાઓ અર્થે આવતા નાગરિકો વાંચી શકે તે રીતે “આપણું ગામ નિરોગી ગામ” આરોગ્યની સેવાઓ આપનો અધિકાર છે તેવું બોર્ડ મૂકવામાં આવી રહ્યું છે. 

  આ બોર્ડમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે ઉપલબ્ધ આરોગ્ય સેવાઓની સાથે નાગરિકોને માટે તબીબી તપાસણી-ચકાસણીનો સમય, તેની સાથે આ સમયગાળા દરમિયાન ડૉકટર નિયમિત સમયે હાજર રહે છે ? નીચેની આરોગ્યની સેવાઓ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં નિ:શુલ્ક મળે છે ? જેવી કે, દર્દીની તપાસ, નિદાન અને સારવાર મળે છે ? પ્રા.આ.કેન્દ્ર ખતે દર સોમવારે મમતદા દિવસ યોજાય છે ? પેટા પ્રા.આ. કેન્દ્ર ખાતે દર બુધવારે મમતા દિવસ યોજાય છે ? સગર્ભા માતા અને બાળકોનું રસીકરણ અને સાર-સંભાળ મળે છે ? વાહકજન્ય રોગો જેવાં કે, મેલેરિયા, ચિકનગુનિયા, ડેંગ્યુ, હાથીપગોનું નિદાન તેમજ સારવાર થાય છે ? ટી.બી.રોગનું નિદાન અને સારવાર મળે છે ? રકતપિત્ત રોગનું નિદાન અને સારવાર મળે છે ? બિનચેપી રોગો જેવાં કે, ડાયાબિટીસ, બી.પી., કેન્સર, અંધત્વ, વગેરે રોગોનું નિદાન અને સારવાર મળે છે ? કુટુંબ કલ્યાણની તમામ સેવાઓ જેવી કે, નિરોધ, છાયા, કોપર-ટી, માલા, અંતરા, ઇ.સી. પિલ્સ..વિગેરે મળે છે ? કુટુંબ નિયોજન ઓપરેશનની સેવાઓ મળે છે ? લેબોરેટરીની સેવાઓ જેવી કે, લોહી, પેશાબ તપાસ, મેલેરિયા, કમળો, ક્ષય, લેપ્રસીરોગ વિગેરેની તપાસ થાય છે ? તેવા પ્રશ્નો મૂકવામાં આવ્યા છે. 

એટલું જ નહીં પરંતુ સરકારશ્રીની યોજનાઓ જેવી કે, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (આયુષ્યમાન ભારત કાર્ડ), કસ્તુરબા પોષણ સહાય યોજના, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, જનની સુરક્ષા યોજના, કુટુંબ કલ્યાણની દિકરી યોજન અને જનની શિશુ સુરક્ષા યોજના પણ દર્શાવવામાં આવી છે. 

જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિન્દ બાપનાની આ નવતર પહેલ અંતર્ગત દરેક આરોગ્ય કેન્દ્રોમાં મૂકવામાં આવેલ આ બોર્ડમાં તેમ પણ જણાવાયું છે કે, આ વિગતો સાથે તમે સંતુષ્ટ છો / નથી ? અથવા આપની કોઇ ફરિયાદ અથવા સૂચન છે તો વોટસઅપ નંબર + ૯૧ ૭૫૬૭૦૨૮૧૧૧ ઉપર ફોન કરવો અથવા વોટસઅપ કરવા અથવા તો cdho.health.anand@gmail.com પર મેલ કરનારની ફરિયાદ કે સૂચન કરનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે તેમ જણાવી “આવો આપના સાથ-સહકારથી આરોગ્ય તંત્રને મજબૂત બનાવીએ” તેવું દર્શાવવામાં આવ્યું હોવાનું જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાએ એક યાદી દ્વારા જણાવ્યું છે.

*-------------------*