આણંદ
ગુજરાત કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે. આણંદ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય કાંતિ સોઢા પરમારે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યુ દીધું છે અને આજે સત્તાવાર રીતે તેઓ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા છે. તેમણે આજે કમલમ પહોંચી ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે કેસરિયો ખેસ ધારણ કર્યો છે.
ભાજપના જોડાતા પહેલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ સોઢાપરમારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને રાજીનામુ મોકલ્યુ હતું. તેમણે કોંગ્રેસનો પંજો છોડી ભાજપનુ કમળ પકડતા શિયાળાની ફૂલ ગુલાબી કાલીત ઠંડીમા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.
કાંતિ સોઢા પરમાર 2017માં આણંદ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જોકે 2022ની ચૂંટણીમાં યોગેશ પટેલ સામે હાર થઈ હતી. તેમણે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરને રાજીનામું મોકલ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ 2020ની સાલમાં કાંતિભાઈ સોઢાપરમાર કોંગ્રેસ છોડી ભાજપમા જોડાશે તેવી અટકડો ટોક ઓફ ધી ટાઉન બની હતી એટલુ જ નહિ તાજેતરની વિધાનસભાની ચૂંટણી પૂર્વે આણંદ મત વિસ્તારમાં સ્થાનિકોએ પ્રાથમિક સુવિધાઓ અને નડતી પારાવાર હાલાકીને ધ્યાને લઈ કાંતિભાઈ સોઢાપરમારનો ઘેરાવો કરી ઉગ્ર વિરોધ કર્યો હતો. નોંધનીય છે કે 2022ની વિધાનસભાની ચૂંટણી પૂર્વે અને ચૂંટણી બાદ કોંગ્રેસમાં એક સાંધે ત્યા તેર તુટે તેવી સ્થિતી સર્જાઈ છે. ગુજરાતના રાજકારણમા છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસના ધારાસભ્ય કે નેતાઓ ભાજપમા જોડાવાની સંખ્યામાં વધારો થયો છે અને આજે સોમવારના રોજ આણંદ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ સોઢાપરમાર કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરતા રાજકારણમાં જબરદસ્ત ગરમાવો વ્યાપી જવા પામ્યો છે.
કોંગ્રેસનો છેડો ફાડી ભાજપમાં જોડાયેલા કાન્તીભાઈ સોઢા પરમારે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતુ કે, ભાજપ પાર્ટી હવે જે જવાબદારી આપશે તે પુરા ખંતથી નિભાવીશ. હું કોઈપણ જાતની અપેક્ષા વગર ભાજપમાં જોડાયો છુ અને પાર્ટીને વધુને વધુ મજબુત બનાવવા માટે હરહંમેશ પ્રયાસો કરતો રહીશ. તેમણે કોંગ્રેસના હાઈકમાન્ડ ઉપર આક્ષેપ કરતા જણાવ્યું હતુ કે, હાઈકમાન્ડને ગુજરાત કોંગ્રેસની કાંઈ પડી જ નથી. વિધાનસભાની ચૂંટણીમાં દિલ્હીથી એકપણ મોટા નેતાઓ સભા, રેલી યોજી નહોતી અને તમામ ઉમેદવારોને પોતાની હાલત પર છોડી દેવામાં આવ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવારોને જીતાડવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં રેલીઓ, રોડ શો અને સભાઓ દ્વારા ઘમરોળી નાંખ્યું હતુ. આવી સ્થિતિ કોંગ્રેસમાં પ્રવર્તી રહી હોય આખરે મેં રાજીનામુ આપીને વિકાસની કેડી કંડારતી પાર્ટીનો હાથ પકડવાનું નકકી કરીને આજે ભાજપમાં જોડાઈ ગયો છુ.
વિશ્વ પ્રસિદ્ધ અમૂલ ડેરીમાં કાંતિભાઈ સોઢા પરમારને વાઈસ ચેરમેન બનાવાય તેવી ચર્ચા ટોક ઓફ ધી ટાઉન બની છે. સુત્રોના જણાવ્યા અનુસાર અમુલ ડેરીના નિયામક મંડળમાં કોંગ્રેસનું પ્રભુત્વ હતુ જેને લઈને ભાજપના રામસિંહ પરમારને ચેરમેન અને કોંગ્રેસના બોરસદના પુર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારને વાઈસ ચેરમેન બનાવવા પડયા હતા. જો કે હવે કાન્તીભાઈ સોઢા પરમાર ભાજપમાં જોડાઈ જતાં ભાજપનું પલ્લુ ભારે થઈ જશે. હાલમાં ભાજપ તરફી ખેડા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ વિપુલભાઈ પટેલ નડીઆદ બેઠક પરથી, રાજેશભાઈ પાઠક ઉર્ફે પપ્પુભાઈ પાઠક બાલાસિનોર બેઠક પરથી, પેટલાદ બેઠક પરથી વિપુલભાઈ પટેલ અને વીરપુર બેઠક પરથી પરમાર શાભેસિંહ મંગાભાઈ ચૂંટાયા હતા. જ્યારે ઠાસરા બેઠક પરથી રામસિંહ પરમાર બિનહરીફ ચૂંટાયા હતા. હવે ભાજપનું સંખ્યાબળ વધીને પાંચ રિકટરોનું થવા પામ્યું છે. સાથે સાથે કઠલાલના ઘેલાભાઈ ઝાલા, મહેમદાવાદના જુવાનસિંહ ચૌહાણ, કપડવંજના શારદાબેન પટેલ પણ રામસિંહ પરમારના ચુસ્ત સમર્થકો હોવાનું મનાઈ રહ્યું છે. જેને લઈને ભાજપે અમુલ ડેરી ઉપર સંપુર્ણપણે ભાજપનો કબ્જો થઈ જાય તે માટે આ ઓપરેશન પાર પાડયું હોવાનું મનાઈ રહ્યું છે.
ભગતના હુલામણા નામથી જાણીતા આણંદ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ મણીભાઈ સોઢાપરમાર વાંસખીલીયા ગ્રામ પંચાયતના સરપંચપદે ચૂંટાયા બાદ પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરીને આણંદ તાલુકા પંચાયતના પ્રમુખ, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ડીરેકટર, અમુલના ડિરેક્ટર, આણંદના ધારાસભ્ય સુધી બનવાની રાજકીય તેમજ સહકારી મંજલ કાપી હતી. તેમના પરિવારના સભ્યો પણ કોંગ્રેસના સક્રિય કાર્યકર રહીને વિવિધ પોસ્ટો ઉપર સેવાઓ બજાવતા હતા. વર્ષોથી વાંસખીલીયા ગ્રામપંચાયતમાં કાન્તીભાઈ સોઢા પરમારનો દબદબો રહ્યો હતો. બે ટર્મ સુધી કોંગ્રેસના આણંદ જિલ્લા પ્રમુખપદે રહેવા દરમ્યાન કાન્તીભાઈ સોઢા પરમારે કોંગ્રેસના સંગઠનક્ષેત્રે જબરજસ્ત કામગીરી કરી હતી અને સને ૨૦૧૫માં તેમના નેતૃત્વમાં આણંદ જિલ્લા પંચાયત સહિત સાત તાલુકા પંચાયતો, બોરસદ, પેટલાદ જેવી નગરપાલિકામાં ભવ્ય જીત હાંસલ કરી હતી. જો કે તેઓ સને ૨૦૦૭, ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણી નજીવા મતોથી હારી ગયા હતા ૨૦૧૪માં યોજાયેલી પેટાચૂંટણીમાં પણ તેમનો પરાજ્ય થયો હતો. ત્યારબાદ સને ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં તેમણે કોંગ્રેસની ટિકિટ પરથી ઝંપલાવ્યું હતુ અને ભાજપના યોગેશભાઈ પટેલને ૫૨૮૬ મતે હરાવીને ૨૭ વર્ષ બાદ આણંદ બેઠક કબ્જે કરી હતી. ત્યારબાદ તેઓ ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી કો.ઓપરેશન બેકમાં પણ ડીરેકટર તરીકે ચુટાયા હતા. સને ૨૦૨૦ના ફેબ્રુઆરીમાં યોજાયેલી અમુલ ડેરીની ચૂંટણીમાં તેઓ આણંદ બ્લોકમાંથી ચાર મતે વિજ્યી બનીને ડીરેકટર પદે ચૂંટાયા હતા. ત્યારબાદ સને ૨૦૨૨માં યોજાયેલી ચૂંટણીમાં તેમનો કારમો પરાજ્ય થવા પામ્યો હતો. ત્યારથી તેઓ લગભગ નિષ્ક્રિય થઈ ગયા હતા અને આજે તેઓએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરી લીધો હતો.