AnandToday
AnandToday
Tuesday, 24 Jan 2023 18:30 pm
AnandToday

AnandToday

મતદાર યાદી મતદાન માટેનું હાર્ટ છેઆણંદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી ડી. એસ. ગઢવી

લોકશાહી તંત્રને મજબૂત કરવા મતદાન થકી મત આપવાના અમૂલ્ય અધિકારનો મતદારો ઉપયોગ કરે – શ્રી ડી. એસ. ગઢવી

આણંદ ખાતે જિલ્લા કક્ષાની “રાષ્ટ્રીય મતદાતા દિવસ-૨૦૨૩”ની ઉજવણી

જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરશ્રી સહિત ઉપસ્થિત સર્વેએ “રાષ્ટ્રીય મતદાતા દિવસ” અંતર્ગત મતદાન કરવા સામૂહિક સંકલ્પ ગ્રહણ કર્યા

જિલ્લા કક્ષાએ મતદાર નોંધણી કાર્યક્રમ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મયોગીઓને સન્માનિત કરાયા

આણંદ 

 લોકતાંત્રિક ચૂંટણી પ્રક્રિયામાં દરેક મતદાન કરવાપાત્ર નાગરિક સહભાગી બને, દરેક મતદાન કરવાપાત્ર નાગરિકને મતદાર તરીકે નોંધણી કરાવવા અને ચૂંટણી વખતે મતદાન કરીને પોતાનો સક્રિય અને અર્થપૂર્ણ ફાળો આપવા માટે પ્રેરિત થાય તે હેતુસર આજે આણંદ ડી.એન.હાઇસ્કુલ ખાતે “રાષ્ટ્રીય મતદાતા દિવસ-૨૦૨૩”ની જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી ડી. એસ. ગઢવીના અધ્યક્ષસ્થાને ઉજવણી કરવામાં આવી હતી. 

આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી ડી. એસ. ગઢવીએ ભારતના ચૂંટણી પંચની સ્થાપના દિવસની યાદમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી હોવાનું જણાવતાં ઉમેર્યું હતું કે, મતદાર યાદી એ મતદાન માટેનું હાર્ટ છે.  તેમણે વધુમાં વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશના નાગરિક હોવાના ગૌરવ સાથે મતદાર ચાવીરૂપ ભૂમિકા ભજવીને દેશ અને રાજયના વિકાસ માટે જાગૃત નાગરિક તરીકે ફરજ નિભાવવા અનુરોધ કર્યો હતો. 

શ્રી ગઢવીએ ભારતીય ચૂંટણી પંચ દ્વારા પારદર્શક, મુકત અને ન્યાયી ચૂંટણી પ્રક્રિયાના આયોજન માટે તેમજ વધુ કાર્યક્ષમ રીતે બહોળી પ્રસિધ્ધિ દ્વારા મહત્તમ મતદારો સુધી પહોંચવા માટે વિવિધ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાની જાણકારી આપી તેનો મહત્તમ ઉપયોગ કરવાની અપીલ કરી હતી. 

જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ગઢવીએ લોકશાહી તંત્રમાં મતદારો પાસે મત એ શકિતશાળી સાધન છે જેનું મહત્વ સમજી મજબૂત લોકશાહી માટે મત આપવાના અમૂલ્ય અધિકારનો ઉપયોગ કરવાનો અનુરોધ કરી  ચાલુ વર્ષના રાષ્ટ્રીય મતદાતા દિવસની થીમ “Nothing Like Voting, I Vote for Sure” ને અનુસરી દેશ અને રાજયના વિકાસ માટે જાગૃત નાગરિક તરીકેની ફરજ નિભાવવા જણાવ્યું હતું. તેમણે વધુમાં ચૂંટણી પંચની લોકશાહી તંત્રને મજબૂત કરવા માટે કરવામાં આવી રહેલ કામગીરીને વધુ મજબૂત બનાવવા નાગરિકોને મતદાનને પોતાનું કર્તવ્ય સમજી પોતાની જવાબદારીનું વહન કરવા અપીલ કરી હતી. 

શ્રી ગઢવીએ મજબૂત લોકશાહીના નિર્માણ માટે જિલ્લાના તમામ નોંધાયેલ તથા ભાવિ મતદારોને રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી લોકશાહી તંત્રની આ કામગીરીમાં મદદરૂપ થનાર સર્વે કર્મયોગીઓની કામગીરીને બિરદાવી શુભેચ્છા સહ અભિનંદન પાઠવ્યા હતા. 

આ પ્રસંગે મતદાન નોંધણી પ્રક્રિયા દરમિયાન જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મયોગીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં મતદાર નોંધણી અધિકારી તરીકે ૧૧૩-પેટલાદ વિધાનસના મતદાર નોંધણી અધિકારી અને પેટલાદના પ્રાંત અધિકારીશ્રી પ્રજ્ઞેશ જાની, મદદનીશ મતદાર નોંધણી અધિકારી તરીકે પાર્થ ગોસ્વામી અને ચેતન સુથાર, નાયબ મામલતદાર તરીકે શ્રી એ. પી.દવે, અને બી. એલ. ઓ. સર્વ શ્રી હમીદાબેન ખેડાવાલા અને સોનલબેન મેકવાનનો સમાવેશ થાય છે. જયારે તાલુકા કક્ષાએ પણ શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મયોગીઓને તાલુકા મથકોએ સન્માનિત કરવામાં આવ્યા હતા. 

આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી ગઢવીના હસ્તે દિવ્યાંગ મતદાતા, વયોવૃધ્ધ મતદાતા અને યુવા મતદાતાને સન્માનિત કરવામાં આવ્યા હતા. 

રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર શ્રી ડી. એસ. ગઢવી સહિત ઉપસ્થિત સર્વેએ દેશની લોકતાંત્રિક પરંપરાઓની અને મુકત, ન્યાયી તેમજ શાંતિપૂર્ણ ચૂંટણીઓની ગરીમા જાળવવાના તેમજ દરેક ચૂંટણીમાં નિર્ભયતાપૂર્વક અને ધર્મ, વંશ, જ્ઞાતિ, જાતિ, ભાષા કે અન્ય કોઇપણ પ્રકારના પ્રલોભનથી પ્રભાવિત થયા સિવાય મતદાન કરવા અંગેના શપણ ગ્રહણ કર્યા હતા.

પ્રારંભમાં મામલતદાર (ચૂંટણી) શ્રી હેતલબેન ભાલિયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. જયારે અંતમાં આણંદ શહેર મામલતદાર શ્રી એન.ડી.રબારીએ આભારવિધિ કરી હતી.

આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી લલિતભાઇ પટેલ, મામલતદારશ્રીઓ, નાયબ મામલતદારશ્રીઓ, ચરોતર એજયુકેશન સોસાયટીના કેમ્પસ એમ્બેસેડર શ્રી મહેશભાઇ પટેલ, નોડલ અધિકારી શ્રી સુલોચનાબેન, એન.સી.સી./ એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓ, સીનિયર સિટીઝનો, યુવા મતદારો ઉપસ્થિત રહ્યા હતા. 

*-------------------------*