આણંદ,
કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રીશ્રી ડૉ.ભાગવત કરાડે આજે આણંદ જિલ્લાના કરમસદ ખાતે આવેલા સરદાર પટેલ ગૃહ અને સરદાર પટેલ મેમોરિયલની મુલાકાત લઈ તેમના જીવન કવનને આલેખતા પ્રદર્શનને નિહાળ્યું હતુ. મંત્રીશ્રીએ સરદાર પટેલ ગૃહની મુલાકાત કર્યા બાદ મેમોરીયલમાં રાખવામાં આવેલ વિવિધ સ્મૃતિસંગ્રહો સહિતના અન્ય અમુલ્ય સંગ્રહ નિહાળ્યા હતા.
આ તકે કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી ડૉ.ભાગવત કરાડે કરમસદ ગામના સરદાર પટેલના ઘર સામે આવેલી સરદાર સાહેબ અને વિઠ્ઠલભાઈ પટેલની પ્રતિમાને તેમજ સરદાર પટેલ મેમોરીયલમાં રહેલી સરદાર પટેલ અને વિઠ્ઠલભાઇ પટેલની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતાં. આ મુલાકાત બાદ તેમણે જણાવ્યું હતુ કે, એક ભારત શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરનાર સરદાર વલ્લભભાઈ પટેલ અને એમના મોટાભાઈ વિઠ્ઠલભાઈ પટેલના ઘરની તેમજ ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈ એ નિર્માણ કરાવેલ સરદાર પટેલ મેમોરિયલની મુલાકાત લેવાનો આજે મને અવસર પ્રાપ્ત થયો એ મારા માટે ખૂબ ગૌરવની વાત છે. મને એ જોઇને આનંદ થાય છે કે અહી સરદાર પટેલની નગરીમાં એમના સ્મૃતિમાં બનાવેલ મેમોરીયલમાં તેમના જીવન સમય દરમિયાન કરેલા મહાન કાર્યો અને એમના જીવન સફરની ઘણી બધી સ્મૃતિઓને સાચવવામાં આવી છે. જે બધા જ ભારતીયો માટે પ્રેરણારૂપ છે, સરદાર જ એ વ્યક્તિ હતા જેમના લીધે ભારતનું એકત્વ થયું.
તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, હું મરાઠવાડામાંથી આવું છું જ્યાં જે તે સમયે નિઝામનું શાસન હતું. તે નિઝામ હૈદરાબાદને ભારત સાથે શામેલ કરવા તૈયાર નોહતા અને માત્ર શ્રી સરદાર પટેલે તેની સામે પોલીસ કાર્યવાહી દ્વારા હૈદરાબાદને ભારત સાથે જોડીને ૧૭ સપ્ટેમ્બર,૧૯૪૮ માં અમને સ્વતંત્રતા અપાવી. આ સંગ્રામને મરાઠવાડા મુક્તિ સંગ્રામ તરીકે ઓળખવામાં આવે છે જેના કારણે અમે મરાઠવાડામાં ૧૫મી ઓગષ્ટ ની સાથે સાથે ૧૭ સપ્ટેમ્બરના દિવસને પણ સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવીએ છીએ. સરદાર વલ્લભભાઇ પટેલે ભારતને સંગઠિત કરીને જે યોગદાન આપ્યું છે તેના માટે હું તેમને માનસભર નમન કરું છું.
કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રીશ્રી ડૉ.ભાગવત કરાડની આ મુલાકાત વેળાએ તેમની સાથે સાંસદશ્રી મિતેષભાઇ પટેલ, પૂર્વ સાંસદશ્રી દિલીપભાઈ પટેલ અને લાલસિંહ વડોદીયા, કરમસદ નગરપાલિકાના પ્રમુખશ્રી, અગ્રણીશ્રી નિરવભાઈ અમીન તથા મામલતદારશ્રી સહિત અન્ય અધિકારીશ્રીઓ જોડાયા હતા.
******