NEET પેપર લીક મુદ્દે વિપક્ષે સંસંદના બંને ગૃહોમાં હંગામો મચાવ્યો, ગૃહની કાર્યવાહી સ્થગિત કરાઈ
આજની 10 મહત્વની ખબર
NEET પેપર લીક મુદ્દે વિપક્ષે સંસંદના બંને ગૃહોમાં હંગામો મચાવ્યો, ગૃહની કાર્યવાહી સ્થગિત કરાઈ
મેડીકલ અભ્યાસક્રમમાં પ્રવેશ માટેની નીટની પરીક્ષા-પરિણામમાં કથિત ગોટાળાના મુદ્દે આજે સંસદમાં હંગામો સર્જાયો હતો તેને પગલે લોકસભાની કાર્યવાહી આજે આખા દિવસ માટે સ્થગીત કરીને હવે સોમવારે જ કાર્યવાહી કરવાનું જાહેર કરવામાં આવ્યું હતું. રાજ્યસભામાં પણ વિપક્ષી હોબાળો થતાં કામગીરી બપોર સુધી સ્થગીત થઇ હતી
સૌરાષ્ટ્રના 8 અને દક્ષિણ ગુજરાતના બે જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે અને હજુ આગામી કલાકોમાં ધોધમાર વરસાદ યથાવત્ રહેશે. હવામાન વિભાગે કરી છે કે, આગામી 6 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે.
સૌરાષ્ટ્રના 8 અને દક્ષિણ ગુજરાતના બે જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તો 10 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત 13 જિલ્લામાં વરસાદનું યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હવામાન વિભાગે યેલો એલર્ટ જાહેર કર્યું છે.
રાજકોટ અગ્નિકાંડ16 અધિકારીઓ સામે પગલાં લેવાયા,ફાયર ઓફિસર સસ્પેન્ડ
રાજકોટ ર્ટી-આરપી ગેમઝોન અગ્નિકાંડની ઘટનાને એક મહિનાથી વધુ સમય વિતી ગયો છે ત્યારે આ ઘટનામાં અત્યાર સુધીમાં મહાનગરપાલિકા પોલીસ અને ફાયર તેમજ આરએનબીના 16 અધિકારીઓ સામે પગલાં લેવાયા છે ત્યારે રાજકોટના આ અગ્નિકાંડમાં ફાયર ઓફિસર ઈલેશ ખેરને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજકોટમાં બનેલી આ ગોજારી દુર્ઘટના બાદ સરકારે તાત્કાલીક તપાસના આદેશ આપ્યા હતાં અને જવાબદારો સામે કાર્યવાહી કરવા હુકમ કર્યો હતો.
ગોધરામાં લાખો રૂપિયા લઈને NEET પરિક્ષાર્થીઓના પેપર 'નિષ્ણાતો'એ લખ્યા - કોંગ્રેસ
મેડીકલ અભ્યાસક્રમ પ્રવેશ માટે લેવાતી નીટની પરીક્ષામાં પેપરલીક સહિતના ગોટાળાઓ ગેરરીતિ-ગોલમાલમાં એક પછી એક કાળા ચિઠ્ઠા સામે આવી રહ્યાં છે. ગોધરામાં લાખો રૂપિયા લઈને NEET પરિક્ષાર્થીઓના પેપર 'નિષ્ણાતો'એ લખ્યા હતા. 'પેપર પેક' કરવા માટે ફાળવાયેલા અર્ધા કલાકમાં જ મોટા ખેલ પડયો. 'જે સવાલના જવાબ ન આવડે તે કોરા રાખવા વિદ્યાર્થીઓને કહેવાયું હતું, પછી નિષ્ણાંતોએ તે જગ્યા ભરી દીધી હતી.આ સમગ્ર કૌભાંડ જ્યાં થયુ તે ગોધરાની જલારામ ઈન્ટરનેશનલ સ્કૂલના સંચાલક સામે તપાસ એજન્સી ગંભીરતાથી તપાસ કેમ કરતી નથી ? તેવો ગંભીર પ્રશ્નો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ ઉઠાવ્યા હતા.
કર્ણાટકમાં ગોઝોરો અકસ્માત 13 લોકોના મોત
કર્ણાટકના હાવેરી જિલ્લાના બ્યાડગી તાલુકામાં એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. આ માર્ગ અકસ્માતમાં એક મીની બસ ટ્રક સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં 13 લોકોના મોત થયા હતા અને 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ ગયા હતા. આ દુર્ઘટનાનો ભોગ બનેલા લોકો બેલગવી જિલ્લાના સાવદત્તીથી દેવી યલ્લમ્માના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા.
દિલ્હી એરપોર્ટના ટર્મિનલની છત ઘસી પડતા એકનું મોત , આઠ ઘાયલ
દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (IGI એરપોર્ટ)ના ટર્મિનલ-1 પર આજે સવારે લગભગ 5 વાગ્યે એક મોટો અકસ્માત થયો હતો. વરસાદના કારણે ટર્મિનલની છત નીચે પાર્ક કરાયેલા વાહનો પર પડી હતી અને કેટલાક લોકો ફસાઈ ગયા હતા. મળતી માહિતી મુજબ દિલ્હી ફાયર સર્વિસ (DFS)ની ટીમ સ્થળ પર જરૂરી કાર્યવાહી કરી રહી છે. તે જ સમયે, આ અકસ્માતમાં અત્યાર સુધીમાં એક વ્યક્તિનું મોત થયું છે અને 8 લોકો ઘાયલ થયા છે.
ડિગ્રી આર્કિટેક્ચરમાં પ્રવેશ માટે પ્રક્રિયા શરૂ,1373 બેઠકો માટે 22મી જુલાઇ સુધી રજિસ્ટ્રેશન
ધોરણ12 પછી ડિગ્રી આર્કિટેક્ચરમાં પ્રવેશ માટે પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આગામી 22મી જુલાઇ સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવામાં આવશે. નિયમ પ્રમાણે સ્વનિર્ભર સંસ્થાઓની માન્ય બેઠકોના 50 ટકા બેઠકો પર કોલેજકક્ષાએ કાર્યવાહી કરવામાં આવશે. નાટા અથા જેઇઇ-મેઇનમાં પેપર-2માં હાજર રહ્યા હોય તેવા ઉમેદવારો જ રજિસ્ટ્રેશન કરાવી શકશે તેવી સ્પષ્ટતા પણ પ્રવેશ સમિતિ દ્વારા કરવામાં આવી છે.
હવે ફાઈનલ મેચમાં ભારતનો સામનો દક્ષિણ આફ્રિકા સામે થશે
ટીમ ઈન્ડિયાએ ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. 27 જૂન ગુરુવારે ગુયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાયેલી સેમિફાઇનલ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 68 રનથી હરાવ્યું. સેમી ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડને જીતવા માટે 172 રનનો ટાર્ગેટ હતો, પરંતુ તેની આખી ટીમ 16.4 ઓવરમાં 103 રનમાં સમેટાઈ ગઈ હતી. હવે ફાઈનલ મેચમાં ભારતનો સામનો દક્ષિણ આફ્રિકા સામે થશે.
લીમડી અમદાવાદ હાઈવે પર કન્ટેનરમાં બ્લાસ્ટ થતા બેના મોત
સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી અમદાવાદ હાઈવે ઉપર આજે વહેલી સવારના ગોઝારી ઘટના બની છે જેમાં લીમડી ઓનેસ્ટ હોટલ નજીક આ ઘટના બનવા પામી છે જેમાં રનીંગ કન્ટેનરમાં અચાનક જ બ્લાસ્ટ થતા આગ લાગી છે અને ડ્રાઈવર અને ક્લીનર બહાર નીકળે તે પહેલા જ આગમાં ભળથું થઈ ગયા છે અને ઘટના સ્થળ ઉપર બંનેના મોતની નીપજયા છે.
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને રાહત,જમીન કૌભાંડ કેસમાં હાઈકોર્ટે આપ્યા જામીન
ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનને જામીન મળી ગયા છે. ઝારખંડ હાઈકોર્ટે તેમને જામીન આપી દીધા છે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ની ટીમે રાંચી જમીન કૌભાંડ કેસ માં પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન ની 31 જાન્યુઆરીના રોજ ધરપકડ કરી હતી, ત્યારબાદ તેમણે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ધરપકડ બાદથી તે જેલમાં હતા. તેમની ધરપકડ કરતા પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) તેમને પૂછપરછ માટે બોલાવ્યા હતા અને લાંબી પૂછપરછ બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. સોરેન પછી પાર્ટીના વરિષ્ઠ નેતા ચંપાઈ સોરેને મુખ્યમંત્રી પદ સંભાળ્યું હતું